Login Popup Login SUBSCRIBE

ADVERTISEMENTs

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં ’શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમ’ યોજાયો.

શ્રમિકોને તેમના વિશેષ અધિકારો અને કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવામાં રાજ્ય અને જિલ્લાની કાનૂની સેવાઓની ભૂમિકા અગત્યની: મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ.

શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમ / માહિતી વિભાગ, ગુજરાત

ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં અઠવાગેટ સ્થિત પી.ટી.સાયન્સ કોલેજ ખાતે ગુજરાત સ્ટેલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, ગુજરાત હાઈકોર્ટનાં નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા ‘અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકો માટે કાનૂની સેવાઓ/યોજના-૨૦૧૫ અંતર્ગત શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં અસંગઠિત ક્ષેત્રોમાં કાર્યરત શ્રમિકો માટેની વિવિધ ૨૨ યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. તેમજ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ થકી રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, ભોજન, મહિલા શ્રમિકો માટે પ્રસૂતિ સહાય, વીમા અને વાહનવ્યવહાર સહિતની દરેક યોજનાનો લાભ આપવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ જણાવ્યું હતું કે, સુખી સમાજના નિર્માણ તેમજ લોકોની ભૌતિક સુખ સુવિધાઓ વધારવામાં શ્રમિક ભાઈબહેનોનું યોગદાન ખૂબ મહત્વનું છે. વિવિધ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને કારણે જ આપણું રોજિંદું જીવન સરળતાથી ચાલે છે. ઘરકામથી લઈ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કડિયા, દૂધ કે પેપર વહેંચનાર, સફાઇ કામદાર સહિત અનેક નાની-મોટી જરૂરીયાતો કે અન્ય સુખ સુવિધાઓના નિર્માણ અને વપરાશ માટે શ્રમિકો પ્રત્યે આપણે નિર્ભર છીએ. તેમણે દરેક ક્ષેત્રે અગ્રિમ વિકાસ કરી રહેલા સુરત શહેર અને સુરતવાસીઓની પ્રશંસા પણ કરી હતી. 

વધુમાં રોજબરોજના આપણાં કાર્યને સરળ બનાવતા શ્રમિકો પ્રત્યે સમાજની નૈતિક જવાબદારીઓના ભાગરૂપે સરળ ન્યાયિક પ્રક્રિયાનું મહત્વ જણાવ્યું હતું. તેમજ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં શ્રમિકોને તેમના વિશેષ અધિકારો અને કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવામાં રાજ્ય અને જિલ્લાની કાનૂની સેવાઓની અગત્યની ભૂમિકા વર્ણવી લીગલ અને પેરા લીગલ સેક્ટરમાં કામ કરતાં દરેક વ્યક્તિઓ-શ્રમિકોને યોજનાકીય લાભો, અધિકારો અપાવવા વિશેષ જવાબદારીપૂર્વક કામ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્તમ યોજનાઓ તેમજ  સેવાઓનો લાભ તેમના સુધી પહોંચી શકે, શ્રમિક અને તેમનો પરિવાર સરળ અને સુખી જીવન વ્યતીત કરી શકે તે અતિ આવશ્યક છે. 

તેમણે સમાજના દરેક વર્ગનો ન્યાય તંત્રમાં અતૂટ વિશ્વાસ રહે એ પ્રકારે થઈ રહેલી કામગીરીની વિગતો આપી હતી. આ પ્રસંગે હાઈકોર્ટના સિનિયર જજશ્રી બિરેન વૈષ્ણવે સમાજમાં શ્રમિકોના અમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લા વહીવટી તંત્રને શ્રમિકોને લગતા દરેક લાભ અપાવવામાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી. તેમણે શ્રમિકોની સુખાકારી માટે જરૂરી દરેક જગ્યાએ માધ્યમ બનવા તત્પરતા બતાવી હતી. જેથી મહત્તમ શ્રમિકો અને તેઓના પરિવાર સુધી સરકારની શ્રમિક કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી શકાય.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related