Login Popup Login SUBSCRIBE

ADVERTISEMENTs

લાજપોર જેલના કેદીઓ પણ હવે ભણશે સ્માર્ટ કલાસરૂમમાં, ગૃહમંત્રી એ કર્યું લોકાર્પણ.

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી.

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ / માહિતી વિભાગ, ગુજરાત

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે. 

બંદિવાનોને અનુરોધ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.  

વધુમા તેમણે કહ્યું કે, જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે. 

સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ / માહિતી વિભાગ, ગુજરાત.

સ્માર્ટ કલાસ વિશે તેમણે કહ્યું હતું કે, જિલ્લાની અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે. 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છે. સમયની સાથે જેલમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે. અગાઉ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારને જેલ સુધી આવવા માટે આવાગમનની સમસ્યા હતી, જેથી સુરત સ્ટેશનથી લાજપોર જેલ સુધીની સિટી બસની સુવિધા કરી છે. ઉપરાંત, મુલાકાતીઓ માટે પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે. બંદિવાન માટે આરોગ્ય, રોજગાર, મનોરંજનની અનેકવિધ સુવિધા ઉપલબ્ધ છે. 

આ પ્રસંગે લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષકશ્રી જે.એન.દેસાઇ, નાયબ અધિક્ષકશ્રી એસ.જી.રાણા, એલ એન્ડ ટીના શ્રી સંજયભાઇ દેસાઇ, લાજપોર જેલના અધિકારીઓ સહિત સિપાઈઓ, હવાલદારો, સુબેદારો અને બંદિવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related