Login Popup Login SUBSCRIBE

ADVERTISEMENTs

સર્જનાત્મકતા સાથે કલા અને ભક્તિનું શ્રેષ્ઠ સંગમ "મહેંદીકૃત રામાયણ" ને મુખ્યમંત્રીએ બિરદાવ્યું.

"કલા પ્રતિભા થકી આગળ વધવા માંગતી બહેનો માટે નિમિષાબેનની આ સફળતા ચોક્કસ પ્રોત્સાહક અને પ્રેરણારૂપ બની રહેશે" : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

નિમિષાબેન પારેખને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસંશાપત્ર એનાયત કર્યું. / માહિતી વિભાગ, ગુજરાત

સુરતમાં 51 બહેનોના હાથમાં રચવામાં આવેલી "મહેંદીકૃત રામાયણ" ફરી એકવાર પ્રકાશમાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત "મહેંદીકૃત રામાયણ" ને બિરદાવીને પ્રશંસાપત્ર એનાયત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "મહેંદીકૃત રામાયણ" એ ખરેખર, કલા અને ભક્તિનું શ્રેષ્ઠ સંગમ છે. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કલામાં વૈવિધ્ય લાવવાની ખેવના કલાકારની સર્જનાત્મકતાને જીવંત રાખે છે. મહેંદીની અનેરી કળાથી નિમિષાબેને પ્રેરણારૂપ સિદ્ધિ મેળવી છે. મહેંદીકલા અને વારલી ચિત્રકલાના સમન્વયથી નિમિષાબેને રામાયણની ચોપાઈઓને બહેનોના હાથ ઉપર મહેંદી સ્વરૂપે મૂકીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. કલા પ્રતિભા થકી આગળ વધવા માંગતી બહેનો માટે નિમિષાબેનની આ સફળતા ચોક્કસ પ્રોત્સાહક અને પ્રેરણારૂપ બની રહેશે. તેમણે આ સર્જનાત્મકતા માટે નિમિષાબેનને શુભેચ્છા પાઠવી હતી અને આ કલાયાત્રાને હજી આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ 22મી એપ્રિલે "મહેંદીકૃત રામાયણ" ને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું અને આ ઉત્કૃષ્ઠ આર્ટ માટે નિમિષાબેન પારેખને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વ દરમિયાન સુરતમાં 16મી જાન્યુઆરીએ યોજાયેલા એક કાર્યક્રમમાં "મહેંદીકૃત રામાયણ" આર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ દ્વારા "મહેંદીકૃત રામાયણ" માં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવ્યાં હતા. આ અદ્વિતીય આયોજને દેશ-વિદેશમાં અનેરી ચાહના મેળવી હતી. 

નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે તેમને મળવાનું આમંત્રણ મળતા હું ખૂબજ આનંદિત થઈ ગઈ હતી. તેમની સાથેની મુલાકાત વખતે તેમણે "મહેંદીકૃત રામાયણ" ની રચના માટે આ પ્રસંશાપત્ર આપ્યું હતું. આ સમયે તેમની સાથે મહેંદી કલ્ચરના સહ-સ્થાપક હિમાદ્રી સિંહા અને સરિતા સિંહા પણ ત્યાં હાજર હતા અને તેઓ પણ મુખ્યમંત્રીશ્રી ને મળીને ખૂબજ ઉત્સાહિત હતા. આ આર્ટને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમના જન્મદિવસે નારીશક્તિની પ્રતીક એવી મહેંદી અને મહેંદીકલાને બિરદાવતા તેઓ ખૂબ જ આનંદિત અને ગૌરવાંતિત અનુભવ કરી રહ્યા છે. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નિમિષાબેન ને શુભેચ્છા પાઠવીને એમના વીડિયોને શેર કરતા ગુજરાતના સૌ કલાપ્રેમી લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related